લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ : અમદાવાદ જિલ્લો
લોકસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં ચૂંટણીના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
તમામ નોડલ અધિકારીઓને માઈક્રોપ્લાનિંગ બનાવી ચૂંટણી સંબંધિત પૂર્વતૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
અમદાવાદ જિલ્લામાં નિષ્પક્ષ, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ
અમદાવાદ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. આદર્શ આચરસંહિતાનો અસરકારક અમલ કરવા તથા વ્યવસ્થિત રીતે ચૂંટણી પ્રક્રિયાઓ હાથ ધરવા માટે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં નિયુક્ત નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ની વિવિધ 19 પ્રકારની કામગીરીની ફરજો બજાવવા માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા 47 જેટલા નોડલ અને સહનોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે. આ નોડલ ઓફિસરોને ચૂંટણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા વિગતવાર સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લાનાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા અધિકારીઓને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી તરફથી પ્રાપ્ત પરિપત્ર અનુસાર આદર્શ આચારસંહિતાનું યથાર્થ પાલન થાય, તે અંગે માહિતગાર કરી આદર્શ આચરસંહિતાનો અસરકારક અમલ કરવા તેમજ તમામ કામગીરીને સુપેરે પાર પાડવા કેટલાક રચનાત્મક સૂચનો આપવામાં આવ્યાં હતાં.
નિયુક્ત નોડલ અધિકારીઓને ચૂંટણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા અત્યાર સુધીની કામગીરી અને આયોજન અંગે સમીક્ષા હાથ ધરી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીમાં નિમાયેલા અધિકારીઓ, કર્મચારીઓને તાલીમ આપવી, ચૂંટણી માટે સ્ટાફ પૂરો પાડવો, મેનપવાર મેનેજમેન્ટ, પોસ્ટલ બેલેટ, ઇવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ, ચૂંટણી પંચની પ્રવર્તમાન સૂચનાઓ અનુસાર કાયદો અને વ્યવસ્થાની તમામ પ્રકારની કામગીરી, મતદાન માટે સમયસર રૂટ મુજબ વાહનો પહોંચાડવા, ચૂંટણી બાબતે જરૂરી સામગ્રીઓ મેળવવી, સ્વીપની કામગીરી, MCMCની કામગીરી, આરોગ્યની કામગીરી, આદર્શ આચારસંહિતને લગતી સૂચનાઓનું પાલન અને અમલીકરણ કરાવવું, ચૂંટણી કામગીરીમાં જોડાનારા કર્મચારીઓ માટે કરવાની થતી વ્યવસ્થાઓ, દિવ્યાંગ મતદારો માટેની વ્યવસ્થા વગેરે અંગેની પૂર્વતૈયારીઓને ધ્યાને લઈ જરૂરી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં ચૂંટણીને લગતી કોઈ પણ કામગીરીને સામાન્ય ન લેતા વધારે સતર્કતા અને પૂરેપૂરી જવાબદારી સાથે કામગીરી સંપન્ન કરવા તથા વખતોવખતની સૂચનાઓ મુજબ અપડેટેડ રહી એલર્ટ મોડમાં કામગીરી કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તાકીદ કરી હતી.
આ બેઠકમાં સંયુક્ત પોલીસ કમિશનર શ્રી અજય કુમાર ચૌધરી, ડે. મ્યુનિ. કમિશનર શ્રી રમેશ મેરજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, રિજનલ કમિશનર ઑફ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી રવીન્દ્ર ખટાલે, નિવાસી અધિક કલેક્ટર શ્રી સુધીર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી મેઘા તેવર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કર તથા સુશ્રી નેહા ગુપ્તા સહિત તમામ નોડલ – સહનોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.